Pages

થંભ અલખનો ખોડ્યો - પારુલ ખખ્ખર

થંભ અલખનો ખોડ્યો એના છેડા અધ્ધર આંબ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

એક ખૂણે ધગધગતી ધૂણી, બીજે ખૂણે ચૂલો રે
ત્રીજો ખૂણો સાદ કરે અંતરપટ ખોલી ખુલો રે
ચોથે ખૂણે ઉકળે આંધણ એમાં જીવતર રાંધ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

પાંચ પદારથ ઓગાળીને એક કોડિયું ઘડિયું રે
એમાં મૂક્યાં બે અંગારા ત્યાં તો જળમાં દડિયું રે
કાંઠે બેસી એનાં નામે કંઈક ઠીકરાં ભાંગ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

સાત સાત ધરતીના તળિયાં, તળિયામાં તરવેણી રે
તરવેણીની માથે ફરકે એક ધજા લાખેણી રે
ધજા ઉપર ઓવારી દઈ રણઝણતાં શ્વાસો ટાંગ્યા રે…
શ્રદ્ધાની ગાઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

- પારુલ ખખ્ખર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો