પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઊભો છું;
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઊભો છું.
સુકાયો સાવ અશ્રુપાત લઈ દરવાજે ઊભો છું;
સૂતેલો એક ઝંઝાવાત લઈ દરવાજે ઊભો છું.
ન ફાટે કે ફીટે એ જાત લઈ દરવાજે ઊભો છું;
પટોળા પર પડેલી ભાત લઈ દરવાજે ઊભો છું.
કળીની જેમ એનું બંધ છે સૌંદર્ય આજે પણ,
કહેલી કાનમાં તેં વાત લઈ દરવાજે ઊભો છું.
ખબર છે કે લૂણો લાગી ગયો છે એનાં શિલ્પોને,
છતાં એ જર્જરિત જજબાત લઈ દરવાજે ઊભો છું.
તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.
નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિનરાત લઈ દરવાજે ઊભો છુ.
ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.
- મનોજ ખંડેરિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો