અડધી ઝોળી ખાલી છે ને અડધી પાછી કાણી છે
અડધું લટકે ખંજર છે ને અડધું જીવની અંદર છે ને
અડધી ચાદર ઓઢી છે ને અડધી કોકે તાણી છે
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…
અડધી જોને રાત પડી છે, અડધી સાથે જાત લડી છે
બાકીની અડધીમાં સાલી હજુ કેટલી ઘાત પડી છે
અડધો માથે તાપ પડે છે, એમાં અડધો બાફ પડે છે
અડધી આંખ દદડે છે એ વરાળ છે કે પાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…
અડધી યાદો તાજી છે ને અડધી યાદો દાઝી છે ને
બાકીની અડધી તો કંઠે ડૂમો થઈને બાઝી છે
અડધો જૂનો મહેલ છે ને ઇચ્છાઓ જ્યાં જેલ છે ને
માણસ નામે રાજા હો તો, પીડા નામે રાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…
અડધી મૂઠી જીવવાનું છે, મોત સમીપે ખસવાનું છે
એમાંય આ કાળનું કાળું કાળું જો ને ડસવાનું છે
પહેલો માસ જ આસો છે ને અડધે શ્વાસે ફાંસો છે ને
બળબળતી આ ભવાટવિમાં તડતડ ફૂટે ધાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે..
– મુકેશ જોષી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો