હાતિમભાઈ નામનો એક મોટો દાનવીર થઈ ગયો.
એક વાર એક માણસે હાતિમતાઈને પૂછ્યું :
‘તમારા કરતાં વધારે લાયક માણસ તમે ક્યાંય જોયો છે?’
હાતિમભાઈએ કહ્યું :
‘હા, મેં જોયો છે.’
એમ કહીને હાતિમભાઈએ પોતાની એક વાત કહી સંભળાવી :
એક વાર હાતિમભાઈએ મોટી મિજબાની આપી હતી. મિજબાનીમાં ઘણા લોકોને બોલાવ્યા હતા. ગરીબ-તવંગર સૌને બોલાવ્યા હતા. ઘણાબધા લોકો એ આનંદ માણવા આવ્યા હતા. મિજબાની પૂરી થઈ. બધા લોકો ધીમેધીમે વિખેરાઈ ગયા. હાતિમભાઈ આ બધી ધમાલથી જરા થાકી ગયો હતો. એટલે તે ઘોડા પર બેસીને જંગલ ભણી એકલો ફરવા નીકળી પડ્યો. ત્યાં તેને એક કઠિયારો સામો મળ્યો. તેના માથા ઉપર લાકડાંનો ભારો હતો. આખો દિવસ મહેનત કરીને તે લોથપોથ થઈ ગયો હતો. હાતિમભાઈએ તેની પાસે જઈને કહ્યું :
‘અરે ભલા માણસ, આજે તારે આમ જંગલમાં લાકડાં કાપવા આવવાની શી જરૂર હતી? તને ખબર ન હતી કે, નગરમાં હાતિમે સૌને મિજબાનીમાં નોતર્યા હતા? ત્યાં તું શા માટે ન ગયો? ત્યાં સારું સારું ખાવાનું મળત. તારે લાકડાં કાપવા અહીં આવવું ન પડત. આજ પૂરતું તને મજાનું ખાવાનું મળી રહેત.’
કઠિયારો મોં પરનો પરસેવો હાથથી લૂછતો લૂછતો બોલ્યો :
‘ભાઈ, જે માણસ પોતાનો પરસેવો ઉતારીને મહેનતની રોટી ખાય છે. તેને હાતિમભાઈ પાસે જવાની શી જરૂર? ખુદાએ હજી મારા હાથપગ સાબૂત રાખ્યા છે. અને ભાઈ, મહેનતની રોટીમાં જે મીઠાશ છે, તે પારકાના ઉપકાર તળે આવીને ખાધેલા પકવાનમાં ક્યાંથી મળે?’
આ વાત કહીને હાતિમભાઈ બોલ્યો :
‘બોલો, પોતાની મહેનતની રોટી ખાવામાં આનંદ માણતો એ કઠિયારો મારા કરતાં વધારે લાયક માણસ કહેવાય કે નહીં?’
- મુકુલ કલાર્થી